સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે,
આમ ખોટું ખોટું મનાવવાનું છોડી દે.
પંખીડાં કરે કિલ્લોલ સરોવર પાળે,
ઝૂલે ભલે નીત તું આંબા ડાળે,
પણ વારેવારે ટહૂકવાનું છોડી દે.
સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે.
શરમાય છે બધા સિતારા ગગનમાં,
લહેરાય ભલે ઝૂલ્ફો તારી પવનમાં,
ચહેરા પર આમ લહેરાવવાનું છોડી દે.
સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે.
ઉપવનથી પ્રિત બાંધે તો વાંધો નહિ,
હંસોની દોસ્તી રાખે તેનો વાંધો નહિ,
પણ લચકતી ચાલે ચાલવાનું છોડી દે.
સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે.
અમારી આજુબાજુ ન માર લટાર,
મારવી જ હોય તો લે આ કટાર,
તારા નયનથી ઘાયલ કરવાનું છોડી દે.
સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે.
ચેન બીલકુલ નથી હૈયાને અમારા,
પાગલ તો છીએ પ્રેમમાં 'જશ' તારા,
સ્મિતથી પાગલ બનાવવાનું છોડી દે.
સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે.
સ્વપ્નમાં આવી સતાવવાનું છોડી દે,
આમ ખોટું ખોટું મનાવવાનું છોડી દે.
Comments
Loading comments…